શુક્રવાર, 12 એપ્રિલ, 2024

જામ રણજીતસિંહજી-જામનગર | Jam Sir Ranjit Singh Jamnagar (Ranji Trophy)

Daftar Isi [Tutup]

    જામનગરના અઢારમાં શાસક જસવંતસિંહજી ના(જસાજી) અવસાન બાદ રણજીતસિંહજી ગાદીએ આવ્યા. તેઓ તા.૧૦-૯-૧૮૭૨ના રોજ સડોદરમાં જનમ્યા હતા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અને ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રીનીટી કોલેજમાં શિક્ષણ લીધુ હતું અને બેરીસ્ટર થયા હતા. તેમણે ક્રિકેટના ક્ષેત્રે વિશ્વ સ્તરે નામના પ્રાપ્ત કરી હતી. 

    પોતે યુવરાજ હતા ત્યારે ઇ.સ.૧૮૯૫ થી ૧૯૦૪ સુધીમાં પરદેશમાં રહી ક્રિકેટમાં જ રચ્યા પચ્યા રહ્યા કે સૌરાષ્ટ્રમાં તેમની ક્રિકેટની સિદ્ધિઓની કવિતાઓ રચાણી હતી, સાથે સાથે તેમણે વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ કર્યો હતો.

    Jam Sir Ranjit Singh: જામનગરના અઢારમાં શાસક જસવંતસિંહજી ના(જસાજી) અવસાન બાદ રણજીતસિંહજી ગાદીએ આવ્યા. ક્રિકેટના ક્ષેત્રે વિશ્વ સ્તરે નામના પ્રાપ્ત કરી
    જામ રણજીતસિંહ 

    જામ રણજીના હુલામણા નામે તેઓ ઓળખાતા તથા તેઓ ઉચ્ચ શિક્ષણ પામેલા અને વિશ્વમાં ફરેલા હોવાથી તેમણે જામનગર રાજ્યને આઘુનિક બનાવીને જામનગરને સૌરાષ્ટ્રના પેરીસનું ઉપનામ અપાવ્યુ હતું. તેમણે જામનગરને શણગારવાનું કામ હાથમાં લઇ સૌ પ્રથમ રસ્તાઓ સુધાર્યા. 

    આ ઉપરાંત શહેરમાં અસંખ્ય ઇમારતો બાંધી હતી. જેમાં 

    • (૧) વિભાવિલાસ
    • (૨) જામવિલાસ 
    • (૩) અમરવિલાસ
    • (૪) ઇરવીન હોસ્પિટલ 
    • (૫) સોલેરિયમ 
    • (૬) સજુબા ગર્લ્સ હાઇસ્કૂલ 
    • (૭) માર્કેટ 
    • (૮) સુમેર કલબ 
    • (૯) રેલવે સ્ટેશન 
    • (૧૦) ક્રિકેટ બંગલો 
    • (૧૧) ત્રણ બાવલા, જામ રાવળ, જામ રણજી અને મોન્ટેગ્યુ 
    • (૧૨) ગરાસિયા બોર્ડીંગ 
    • (૧૩) રણજીત સાગર ડેમ 
    • (૧૪) ઘનશ્યામ બેંક 
    વગેરે મહત્ત્વના કહી શકાય તેવા કાર્યો કર્યા હતા. 

    પોતે રાજ્યને આધુનિકતાના પંથે મૂકવા માંગતા હતા. તેથી વહીવટમાં પણ જબરા ફેરફારો કર્યા. ખેડૂતો પાસેથી ભાગબટાઇ લેવાને બદલે રોકડ મહેસૂલ લેવાની શરૂઆત કરી હતી. જમીન ઉપર ખેડૂતોનો હકક માન્ય રાખ્યો તથા વેઠપ્રથા નાબૂદ, ખેડૂત રાહતધારો વગેરે ખેતી ક્ષેત્રે સુધારા કરી ખેડૂતોના દિલ જીતી લીધા અને લોકશાહી જેવા ફાયદાઓ ખેડૂતોને મળ્યા હોય તેમ લાગ્યુ.

    ખેડૂતોની જેમ વેપાર વાણિજ્યને વિકસાવવામાં પણ તેમણે જબરૂ કામ કર્યુ. બેડીબંદર અને રેલવેને વિકસાવી વેપારને પ્રોત્સાહન આપ્યુ. ઇ.સ.૧૯૧૧માં પ્રાથમિક શિક્ષણ અને ઇ.સ.૧૯૧૬માં માઘ્યમિક શિક્ષણ મફત બનાવ્યુ. જામ રણજીએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં મેસોપોટેમિયાના મોરચે યુદ્ધમાં ભાગ લીધો હતો અને આ યુદ્ધમાં આંખ પાસે ગોળી લાગતા ઘવાયા હતા. 

    બ્રિટીશ સરકારે તેમને માનદ મેજર (ઇ.સ.૧૯૧૪) અને માનદ લેફટેનન્ટ કર્નલ (ઇ.સ.૧૯૧૮)ની પદવીઓ અને કે.સી.એસ.આઇ. તથા જી.સી.એસ.આઇ. અને જી.બી.ઇ.ના ખિતાબો આપ્યા હતા. તેઓ ત્રણવાર જીનીવામાં ‘‘લીગ ઓફ નેશન્શ’’ની બેઠકમાં હાજરી આપવા ગયા હતા, જે તેમની મહત્ત્વની સિદ્ધિ ગણાવી શકાય. દ્વારકાના શંકરાચાર્યે તેમને ‘‘રાજ્ય ધર્મ રત્નાકર’’ની પદવી આપી હતી. 

    આવા પ્રજા વત્સલ અને જામનગરને શણગારનાર રાજવીની વિરૂધ્ધ અખબારો લખતા હતા તે એક નવાઇરૂપ બાબત ગણાવી શકાય. તેમણે જામનગરનો જે વિકાસ કર્યો અને પોતાનું જે વ્યક્તિત્વ હતુ તેનાથી તેઓ એક પ્રખર રાજપુરૂષ અને મુત્સદી અને આધુનિક વિચારસરણીને વરેલા રાજવી તરીકે ગણાવી શકાય. 

    એમણે જ જામનગરને પહોળા પાકા રસ્તા, ફુટપાથ, જાહેર બગીચા, ચોક અને એકસરખી દુકાનો બાંધી હતી. જામ રણજીનું તા.૨-૪-૧૯૩૩ના રોજ મૃત્યુ થયુ ત્યારે તેમણે દત્તક લીધેલા જુવાનસિંહજીના પુત્ર દિગ્વિજયસિંહજી ગાદીએ આવ્યા.

    સંદર્ભ: પ્રદ્યુમન. ભ. ખાચર.| કાઠીયાવાડના રાજવીઓ(૨૦૦૫) - જામ રણજીતસિંહજી-જામનગર.

    ટિપ્પણી ઉમેરો