રવિવાર, 7 એપ્રિલ, 2024

નવાબ મહાબતખાનજી બાબી બીજા-જૂનાગઢ | Nawab Mahobbat Khan Junagadh

Daftar Isi [Tutup]

    જૂનાગઢના પાંચમા નવાબ હામદખાનજી બીજાના અવસાન પછી તેમના નાના ભાઇ મહાબતખાનજી બીજા ગાદીએ બેઠા હતા. તે બહાદૂરખાનજી બીજાના નાજુબીબીના પેટે અવતરેલા તેઓ પિતાના અવસાન સમયે રાધનપુર હતા. ત્યાંથી આવી તા.૧૧-૮-૧૯૫૧ના રોજ ગાદીએ બેઠા હતા. પરંતુ તેઓની ઉંમર માત્ર ૧૪ વર્ષની હોવાથી રાજ્યનો વહીવટ રીજન્સી કાઉન્સિલને સોંપવામાં આવ્યો હતો. 

    જૂનાગઢના પાંચમા નવાબ હામદખાનજી બીજાના અવસાન પછી તેમના નાના ભાઇ મહાબતખાનજી બીજા ગાદીએ બેઠા હતા. | Nawab Mahobbat Khan Babi 2 Junagadh
    નવાબ મહાબતખાનજી બાબી બીજા

    આ રીજન્સીએ ઇ.સ.૧૮૫૮ સુધી વહીવટ ચલાવ્યો હતો. નવાબના શિક્ષણ તરફ અંગ્રેજો પણ ખાસ ધ્યાન રાખવા લાગ્યા હતા. આથી નવાબ મહાબતખાનજી બીજાને અંગ્રેજી ભાષા શીખવવા પ્રભુદાસ મથુરદાસ અને સોમનારાયણ નરનારાયણને તથા ફારસી ભાષા શીખવવા મુનશી જાનમહમદને રોકવામાં આવ્યા હતા. 

    આ નવાબને છ બેગમો હતી. જૂનાગઢ રાજયનીવસતિ ઇ.સ.૧૮૮૧માં ૩૮૭,૪૯૯. ઇ.સ.૧૮૯૧માં ૪૮૪,૧૯૦.ઇ.સ.૧૯૦૧માં ૩૬૫,૪૨૮. ઇ.સ.૧૯૧૧માં ૪૩૪,૪૨૨. ઇ.સ.૧૯૨૧માં ૪૬૫,૪૯૩. ઇ.સ.૧૯૩૧માં ૫૪૫,૧૫૨ હતી.

    આ નવાબે સૌરાષ્ટ્રની ઢગલાબંધ સંસ્થાઓને દાન અને જુદા જુદા ફંડો, ઇનામો આપ્યા હતા તથા સાહિત્યકારોને પણ મદદ આપી હતી તેમણે કુલ રૂા.૧,૮૬,૯૩૯ની રકમનું દાન કર્યુ હતું. આ ઉપરાંત જાહેરકાર્યો માટે અને જુદી જુદી સંસ્થાઓને રૂા.૩,૫૪,૩૬૨નું દાન આપ્યુ હતું. તેમના સમયગાળા દરમ્યાન જકાત, બંદર, તાર, રેલવે, ન્યાય, પ્રેસ, ટંકશાળ, પોસ્ટ વગેરે ક્ષેત્રે મહત્ત્વના સુધારોઓ થયા હતા. 

    ઇ.સ.૧૮૬૪માં સૌરાષ્ટ્ર પોસ્ટ ઓફિસની સ્થાપના કરી ઇ.સ.૧૮૭૬માં ધોરાજી-જૂનાગઢ સુધીની ટેલિગ્રાફ લાઇન પોતાના ખર્ચે ટેલિગ્રાફ ખાતાને કરી આપી હતી. ઇ.સ.૧૮૭૦માં ડો.અમીદાસ મનજીના હાથ નીચે દવાખાનું સ્થાપ્યુ હતું. આ સિવાય ગુજરાતી નિશાળ, સંસ્કૃત પાઠશાળા, લાડલીબીબી કન્યા શાળા, હાઈસ્કૂલ, નરસિંહ લાયબ્રેરી, રાજપ્રકરણી કોર્ટ વગેરે બનાવવામાં આવ્યા હતા. 

    તેમણે પોતાના પ્રવાસ દરમ્યાન દિલ્હી, આગ્રા અને જયપુરમાં જે મહેલો જોયા હતા તેવા મહેલો બનાવી જૂનાગઢની શોભામાં વૃદ્ધિ કરી હતી. તેમણે આયના મહેલ, કચેરી મહેલ, ફરાસખાનુ, સક્કરબાગ, મોતીબાગ, પાઇબાગ, પરીતળાવ વગેરે બાંધ્યા હતા. આજે જે સર્કલ ચોક છે તે ચાંદની ચોક કહેવાતો ત્યાં મહાબત સર્કલ બનાવ્યું, ત્યાંથી દક્ષિણ તરફ દીવાન ચોક અને મહાબત સર્કલથી ઉત્તરે માંડવી ચોક બનાવી આ બધા સ્થળે સુંદર મકાનો અને કમાનોવાળા દરવાજા બંધાવ્યા હતા. 

    તેમણે ૩૦૦ કેદી સમાય શકે તેવી જોહરાની જેલ જોઇ તેના જેવી જેલ જૂનાગઢમાં બંધાવી હતી. આ સિવાય મોટા કોઠાર, લાલરસાલા, પીળારસાલા, દફતરખાનુ, મહેમાનદારી, અદાલત, માંડવી, લાન્સર્સ, નવા ઉતારા, હમામ અને ચાર મુસાફરખાના બંધાવ્યા હતા. તેમણે બારાશહીદની મસ્જિદ, સર્કલ પાછળની મસ્જિદ અને મુસાફરખાનાની મસ્જિદ પણ તેમણે બંધાવી હતી. મહાબત મકબરાનું બાંધકામ તેમણે શરૂ કરાવ્યુ હતું.

    તેમને ઇ.સ.૧૮૭૧માં કે.સી.એસ.આઇ.નો ઇલ્કાબ મળ્યો હતો. આ રીતે જૂનાગઢને શણગારનાર અને જૂનાગઢના આધુનિક ઘડવૈયા તે હતા તેમ કહી શકાય. તેમનું મૃત્યુ તા.૨૯-૯-૧૮૮૨ના રોજ થયું. તેમને અધુરા બંધાયેલા મહાબત મકબરામાં દફન કરવામાં આવ્યા હતા.

    સંદર્ભ: પ્રદ્યુમન. ભ. ખાચર. કાઠીયાવાડના રાજવીઓ - નવાબ મહાબતખાનજી બાબી બીજા- ૨૦૦૫.

    ટિપ્પણી ઉમેરો