મંગળવાર, 9 એપ્રિલ, 2024

નવાબ મહોબતખાન ત્રીજા - જૂનાગઢ | Nawab Muhammad Mahabat Khan III

Daftar Isi [Tutup]

    જૂનાગઢના નવમા અને છેલ્લા શાસક મહાબતખાનજી ત્રીજાનો જન્મ તા. ૨-૮- ૧૯૦૦ના રોજ જૂનાગઢમાં આયશાબીબીના પેટે નવાબ રસુલખાનજીના ઘેર થયો હતો. તેઓએ ઇંગ્લેન્ડમાં અને અજમેરની મેયો કોલેજમાં શિક્ષણ મેળવ્યુ હતું. આ નવાબ ખૂબ જ સીધા સાદા અને નિર્વ્યસની હતા. નાટકના તો એવા શોખીન હતા કે પોતે ખાસ રંગમંચ બનાવી પોતાના પસંદગીના માણસો વચ્ચે પોતે પણ નાટક ભજવતા હતા. પોતે શરમાળ પ્રકૃતિના હોવાથી બહાર બહુ ઓછા જતા અને જુમ્માની નમાજ પડવા પણ બહાર જતા નહીં. 

    તેઓને બ્રિટીશ સેનાના માનદ કેપ્ટન, માનદ મેજર, માનદ કર્નલના હોદાઓ મળ્યા હતા. તેઓ ચુસ્ત મુસ્લિમ હતા અને હિંદુ મંદિરો અને સાધુઓને પણ મદદ કરનારા સહિષ્ણુ અને દયાળુ શાસક હતા. તેઓને હિંદુ જયોતિષમાં શ્રધ્ધા હતી અને બધા સંતાનોની કુંડળી બનાવરાવતા, માણેક સ્તંભ રોપતા. અરે ! વિલિગ્ડન ડેમ અને વેરાવળમાં એક મકાનનો પાયો ગણેશ પૂજા કરી હિંદુ વિધિથી કર્યો હતો. 

    દામોદરકુંડે લેવાતો કર તેમણે બંધ કર્યો હતો. ખેડૂતોનુ લેણુ પોતે ગાદીએ બેસી માફ કર્યુ હતુ. આખા રાજયમાં પ્રાથમિક કેળવણી મફત કરી હતી. સ્વભાવે માયાળુ અને ઉમરાવ દિલના તટસ્થ ન્યાયપ્રિય શાસક હતા. દા.ત. વેરાવળના પાંચ હિંદુ ખૂન કેસમાં તેમણે તટસ્થતા પૂર્ણ ન્યાય આપી ધર્મ સહિષ્ણુતાનો પુરાવો પુરો પાડડ્યો હતો અને મુસ્લિમોનો ખૂબ જ વિરોધ હોવા છતાં મુસ્લિમોની સજા ઘટાડી ન હતી. 

    Muhammad Mahabat Khan III. જૂનાગઢના છેલ્લા શાસક મહાબતખાનજી ત્રીજાનો જન્મ તા. ૨-૮- ૧૯૦૦ના રોજ જૂનાગઢમાં આયશાબીબીના પેટે નવાબ રસુલખાનજીના ઘેર થયો હતો.
    નવાબ મહોબતખાન ત્રીજા

    મહાબતખાનજીના કાળમાં તા.૨૦- ૪-૧૯૩૪ના રોજ વેરાવળમાં અને જૂનાગઢમાં સ્ટેટ બેંક, જૂનાગઢમાં વિલિંગ્ડન ડેમ, જાંબુર - દેલવાડા, વિસાવદર - ધારી, તાલાળા - સાસણ, સાસણ ગીર - વિસાવદર સ્થળોને જોડતી રેલવે નાંખવામાં આવી હતી. કેશોદમાં એરોડ્રામ(કેશોદ એરોડ્રામનું ઉદધાટન શાહજાદા દિલાવરખાનજીના હાથે થયુ હતું), મફત અન્નક્ષેત્ર, સિલ્વર જ્યુબીલી મુસ્લિમ હોસ્ટેલ, પાવર હાઉસ, રેડક્રોસ,વિલિંગ્ડન કેટલ ફાર્મ વગેરે કામો થયા હતા.

    પોતે શિક્ષણને માટે ખૂબ જ ઉદાર હાથે મદદ કરનારા અને તેનો વિકાસ કરવામાં જરાય કચાસ રાખતા નહીં. તેમના રાજ્યમાં ઘણા વિશિષ્ટ કાયદાઓ પણ હતા, જેમકે વન્ય પ્રાણીના શિકારની મનાઇ, ખેતી માટે ઉપયોગી પશુની હત્યાની, મનાઇ ડબે પુરાયેલી ગાયોની હરરાજી થાય તો મુસ્લિમોને લેવાની મનાઇ, વગેરે હતા. 

    રાજ્યની પૂરી પ્રજાને પોતાના સંતાન જેવા જ ગણતા અને જ્યારે પોતે પાકિસ્તાન ગયા અને ત્યાં સમાચાર મળ્યા કે જૂનાગઢમાં હિંદુ મુસ્લિમ વચ્ચે રમખાણો થઇ રહ્યા છે ત્યારે પોતે તરત જ તાર કરી આ ખૂન્નસને અટકાવવા અપીલ કરી હતી. આથી જ રાજ્યની પ્રજા તેમને સરકાર અને મા-બાપ નામથી બોલાવતી હતી. 

    પરંતુ નસીબજોગે તેઓએ દીવાન ભેટોની ચડામણીથી પાકિસ્તાનમાં જોડાવવાનો નિર્ણય લીધો અને તા.૨૪-૧૦-૧૯૪૭ના રોજ કરાંચી ચાલ્યા ગયા પછી પાછા જ ન આવી શક્યા અને જૂનાગઢનું રાજ તથા કરોડોની માલમિલકત ઝવેરાત ગુમાવી પાકિસ્તાનમાં જ રહ્યા. તેઓને પાકિસ્તાનમાં જરાય ગમતુ ન હતું અને બેગમોને પણ પાછું ફરવુ હતું. 

    આ માટે ખુદ નવાબ સાહેબે ભારતના હાઇ કમિશ્નર પ્રકાશને કરાંચીમાં મળ્યા હતા, કે “જો મને જૂનાગઢ પાછો ફરવા દેવાની પરવાનગી આપવામાં આવે તો ભારત સાથે જોડાવા તૈયાર છે.’’ પરંતુ કોને ખબર કે તેમને પાછા કેમ આવવા ન દીધા ? તે સંશોધનનો પ્રશ્ન છે.

    જૂનાગઢ રાજ્યની ઇ.સ.૧૯૪૫-૪૬માં ૧,૩૧,૬૮,૦૦૦ની આવક હતી. તેઓની જૂનાગઢ ખાતેના કોર્ટ સામેના મકબરા પાસે નવો મકબરો ઉભો કરી ત્યાં દફન થવાની ઇચ્છા હતી તે અધુરી રહી હતી. તેઓ તા.૭-૧૧-૧૯૫૯ના રોજ કરાંચી ખાતે અવસાન પામ્યા.

    સંદર્ભ: પ્રદ્યુમન. ભ. ખાચર.| કાઠીયાવાડના રાજવીઓ(૨૦૦૫) - નવાબ મહોબતખાન ત્રીજા.

    ટિપ્પણી ઉમેરો