સોમવાર, 8 એપ્રિલ, 2024

નવાબ બહાદુરખાનજી ત્રીજા - જૂનાગઢ | Nawab Sir Muhammad Bahadur Khanji III

Daftar Isi [Tutup]

    જૂનાગઢના છઠ્ઠા નવાબ મહાબતખાનજી બીજાના અવસાન પછી તેમના પુત્ર બહાદુરખાનજી જૂનાગઢના નવાબ તરીકે આવ્યા હતા. તેઓનો જન્મ તા.૨૨-૧-૧૮૫૬ના રોજ થયો હતો. જેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યુ હતું. તેમના પિતાશ્રીના સમયમાં પોતે વહીવટમાં ભાગ લેતા અને રાજ્યનું પોલીસ ખાતુ સંભાળતા હતા. 

    તેમણે રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી ઇ.સ.૧૮૭૩-૭૪માં કર્નલ લેસ્ટરની સાથે હિંદુસ્તાનનો પ્રવાસ કર્યો હતો. તેમને પાંચ બેગમો હતી. પરંતુ એકેયને પુત્ર ન હતો. તેમના સમયમાં જૂનાગઢ રાજ્યએ ઘણી પ્રગતિ કરી આધુનિકતાના ઉંમરે આવીને ઉભું રહ્યુ હતું. દામોદર કુંડ ઉપર પુલ બંધાવવામાં આવ્યો. દાતારના ડુંગરના રસ્તે લેપર એસાઇલમનો પ્રિન્સ આલ્બર્ટ વિક્ટરના હાથે પાયો નંખાયો હતો. 

    તેમના સમયમાં કાદુ મકરાણીના બહારવટાનો પ્રસંગ બન્યો હતો. આ સિવાય કનડા ડુંગર ઉપર નવાબના લશ્કરે મૈયાઓ ઉપર ગોળીઓ ચલાવી તેથી તે હત્યાકાંડમાં ૬૮ મૈયાઓ મરાયા અને તેમાં એક સ્ત્રી પણ મૃત્યુ પામી હતી. આથી સોરઠમાં હાહાકાર મચી ગયો હતો.

    જૂનાગઢના છઠ્ઠા નવાબ મહાબતખાનજી બીજાના અવસાન પછી તેમના પુત્ર બહાદુરખાનજી જૂનાગઢના નવાબ તરીકે આવ્યા હતા | Nawab Sir Muhammad Bahadur Khanji III
    નવાબ બહાદુરખાનજી ત્રીજા

    જૂનાગઢ શહેરની વસતિ ઇ.સ.૧૮૮૧માં ૨૪,૬૭૯. ઇ.સ.૧૮૯૧માં ૩૧,૬૪૦.ઇ.સ.૧૯૦૧માં ૩૪,૨૫૧. ઇ.સ.૧૯૧૧માં ૩૫,૪૧૩. ઇ.સ.૧૯૨૧માં ૩૩,૨૨૧.ઇ.સ.૧૯૩૧માં૩૯,૮૯૦. ઇ.સ.૧૯૪૧માં૫૮,૫૧૧.ઇ.સ.૧૯૫૧માં૬૨,૭૩૦. ઇ.સ.૧૯૬૧માં૭૪૨૯૮ની હતી. ઇ.સ.૨૦૦૧માં જૂનાગઢની વસતિ ૪,૨૦,૬૨૩ની હતી.

    જૂનાગઢ રાજ્યમાં તેઓએ જરૂરી સુધારાઓ પણ દાખલ કર્યા હતા. તેઓએ ગામડાઓની મહેસૂલ ઉઘરાવવા ઇજારા અપાતા હતા, તે પ્રથા બંધ કરી તલાટીઓ દ્વારા મહેસૂલ લેવાનું ધોરણ દાખલ કર્યુ હતું. તેથી ખેડૂતોને ઘણી રાહત મળી હતી. રોકડિયા પાક અને ફળ-શાકભાજી ઉપર વજ્રભાગને બદલે રોકડ વિઘોટી લેવાની શરૂઆત તેમણે કરાવી હતી. 

    ઇ.સ.૧૮૮૭માં શિક્ષણને ઉત્તેજન આપવા માટે વિક્ટોરિયા જ્યુબીલી જૂનાગઢ સ્કોલરશીપ (રૂા.૩૦૦૦) શરૂ કરી હતી. આ સિવાય રૂા.૨૦૦૦ની ત્રણ સ્કોલરશીપ ઇંગ્લેન્ડ અભ્યાસ કરવા જવા માટે આપી હતી. તેમને તા.૬-૧૧-૧૮૯૦ના રોજ જી.સી.આઇ.ઇ.નો ખિતાબ જાહેર કરવામાં આવ્યો હતો. આ માટેનો દરબાર તા.૨૦-૧૧-૧૮૯૮ના રોજ રાજકોટમાં ભરી પોલીટીકલ એજન્ટના હાથે તે ખિતાબ આપવામાં આવ્યો હતો. 

    તેમના કાળમાં રૂા.૨૩,૩૨,૭૮૬/૨/૦ની રાજ્યની આવક હતી અને રૂા.૨૧,૦૭,૮૭૧/૭/૬ ની જાવક હતી. તેમના સમયમાં જૂનાગઢમાં મહાબત મદ્રેસા, ફરગ્યુસન પુલ, ગિરનાર અને દાતારના પગથિયા, શાપુરનો કિલ્લો, પથ્થરના સિંહો વગેરે કાર્યો જૂનાગઢને શણગારવા માટે થયા હતા. આ ઉપરાંત તેમના સમયમાં ૧૯ જાન્યુઆરી, ૧૮૮૮ના રોજ જૂનાગઢમાં રેલવેનો પ્રથમ પ્રવેશ થયો ત્યારે તે ઘટનાની યાદગીરી રાખવા માટે કેપ્ટન કેનેડીના હાથે પોલીટીકલ કર્નલ વુડહાઉસ નામનું પરુ વસાવવાનું ખાતમુહુર્ત કર્યુ હતું. 

    પછી તા.૧ સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ જેતલસર જૂનાગઢ રેલવેનો વિધિસર પ્રારંભ થયો હતો. જયારે જૂનાગઢ વેરાવળ રેલવેનો પ્રારંભ તા.૧ ફેબ્રુઆરી ૧૮૮૯ના રોજ થયો હતો. આ નવાબના સમયમાં બહાઉદીનભાઇએ નવા મુકેલા રે ગેઇટની દક્ષિણે મકાનો બાંધ્યા અને ઉત્તર તરફના મકાનો રાજ્યે બંધાવ્યા હતા. તા.૨૧-૧-૧૮૯૨ના રોજ તેઓ અવસાન પામ્યા. તેમને કોર્ટ સામેના મહાબત મકબરામાં દફન કરવામાં આવ્યા.

    સંદર્ભ: પ્રદ્યુમન. ભ. ખાચર. કાઠીયાવાડના રાજવીઓ - નવાબ બહાદુરખાનજી ત્રીજા- ૨૦૦૫.

    ટિપ્પણી ઉમેરો