સોમવાર, 8 એપ્રિલ, 2024

નવાબ રસુલખાનજી બાબી - જૂનાગઢ | Nawab Sir Muhammad Rasul Khanji Babi

Daftar Isi [Tutup]

    જૂનાગઢના સાતમા શાસક બહાદુરખાનજી ત્રીજાના અવસાન બાદ ખૂબ આનાકાની બાદ રસુલખાનજી જૂનાગઢના શાસક બન્યા હતા. તેઓ ઓલિયા પુરૂષ તરીકે ઓળખાતા હતા. તેઓને રાજકાજ કરતા ધર્મમાં વધુ રસ હતો. જ્યારે તેઓ નવાબ ન હતા ત્યારે તેમને મળતી જીવાઇની રકમ પણ ધર્માદામાં વાપરી નાંખતા. 

    તેમણે ઇન્દ્રેશ્વરમહાદેવ (દોલતપરા) સુધીનો રસ્તો અને ગૈાશાળા બાંધી આપી હતી. તેઓ સહિષ્ણુ શાસક હતા. તેઓનું જીવન ફકીર જેવુ સાદગીભર્યુ હતું. આથી તેમના ભાઇના અવસાન સમયે રસુલખાનજી સિવાય બીજાને ગાદી મળે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. 

    તેઓ નિરક્ષર અને ફકીર જેવા હોવાથી ગાદી એદલખાનજીને મળવી જોઇએ એવું ઉભુ કરવામાં આવ્યુ હતું. પરંતુ વજીર બહાઉદ્દીનભાઇ અને નાયબ દીવાન પુરૂષોતમ ઝાલાના પ્રયત્નોથી તેમને ગાદી મળી હતી.

    જૂનાગઢના સાતમા શાસક બહાદુરખાનજી ત્રીજાના અવસાન બાદ ખૂબ આનાકાની બાદ રસુલખાનજી(ઓલિયાપુરૂષ ) જૂનાગઢના શાસક બન્યા હતા Nawab Sir Muhammad Rasul Khanji Babi
    નવાબ રસુલખાનજી બાબી

    તેમનો જન્મ તા.૩૦-૭-૧૮૫૮ના રોજ બેગમ નૂરબુના પેટે થયો હતો. તેઓ નવાબ મહાબતખાનજી બીજાના પુત્ર હતા. પણ બાલ્યવસ્થામાં તેમના શિક્ષણ તરફ કોઇ ધ્યાન આપવામાં આવ્યુ ન હતું. નવાબ રસુલખાનજીને અમનબખ્તે, કેસરબાઇ અને આયશાબીબી એમ ત્રણ બેગમો હતી. 

    આ નવાબના સમયમાં જ બહાઉદ્દીન કોલેજ, બહાઉદ્દીન જળાશય, વિકટોરિયા ડાયમંડ જયુબીલી મહોત્સવ, બહાદૂરખાનજી લાયબ્રેરી, રસુલખાનજી હોસ્પિટલ, બોટોનિકલ ગાર્ડન, આયુર્વેદ ફાર્મસી, અશોકના શિલાલેખ ઉપર મકાન, શાપુર-માણાવદર, માણાવદર-બાંટવા રેલવે અસ્તિત્ત્વમાં આવ્યા હતા.

    બહાઉદ્દીન કોલેજ બાંધવા માટે બહાઉદ્દીનભાઇએ પોતાને જે સન્માનમાં રકમ મળી હતી તેમાં રૂા.૨૦,૦૦૦ ઉમેરીને પોતાનું નામ કાયમ રહે તે માટે કંઇક બાંધવાનું કહ્યુ, આથી બહાઉદ્દીનકોલેજ બાંધવાનું નક્કી થયુ અને તે બાંધકામમાં ઘટતી રકમ આ નવાબે ઉમેરી હતી. 

    તેમના સમયમાં પાટણમાં કોમી ઉપદ્રવો થયા હતા ત્યારે એજન્સીના આદેશથી કર્નલ એચ.જે.હંટરના પ્રમુખપણા હેઠળ એક કમિશન નીમવામાં આવ્યુ હતું જેણે તા.૨-૫-૧૮૯૩ના રોજ અહેવાલ આપ્યો અને રાજ્યે બંને કોમોને શાંત કરવા પ્રયત્નો કર્યો હતો. તેમના રાજ્યમાં વેશ્યાવૃતિ અને દારૂ ઉપર પ્રતિબંધ હતો. 

    તેઓના શાસન દરમ્યાન ખેતી સુધારણાના પ્રયત્નો થયા હતા. તેમના કાર્યકાળમાં કચ્છ- માંડવીના ભણસાળી શ્યામજીકૃષ્ણ વર્માની દીવાન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ અમુક કારણોસર તેમને છ માસમાં છુટા કરવામાં આવ્યા હતા. નવાબ રસુલખાનજીના સમયમાં દીવાન પદ ઉપર દસ દીવાનો બદલાયા હતા. 

    તેઓના નામની રાજકોટમાં નવાબ રસુલખાનજી ઝનાના હોસ્પિટલ આવેલી છે. ઇ.સ.૧૮૯૭થી રસુલખાનજીના સમયથી જૂનાગઢ રાજયમાં બજેટ બનાવવાની શરૂઆત થઇ હતી, જે પ્રથા પછી ચાલુ રહી હતી. તેઓએ હિંદુના તિર્થસ્થળોને પણ મદદ કરી હતી.

    ઇ.સ.૧૮૯૯માં તેમને કે.સી.સી.આઇ.નો ઇલ્કાબ મહારાણી વિકટોરિયા તરફથી અને ઇ.સ.૧૯૦૮માં જી.સી.એસ.આઇ.નો ઇલ્કાબ મળ્યો હતો. તેમના કાળમાં ૨૧ ગામો નવા વસાવવામાં આવ્યા તથા સિંહોની પ્રથમવાર વસ્તી ગણતરી કરવામાં આવી હતી. 

    તેમની સૌથી મહત્ત્વની બાબત મુસ્લિમ જગતના ઈતિહાસમાં એ ગણાવી શકાય કે, તેમણે પોતે પોતાનું અડધા કદનું બાવલુ ઇસ્લામ નિરાકારમાં માનતો હોવા છતાં બનાવરાવ્યું હતું. તે આજે દરબાર હોલ મ્યુઝિયમ જૂનાગઢમાં જોવા મળે છે. તેઓનું તા.૨૨-૧-૧૯૧૧ના રોજ અવસાન થયું અને તેમને કોર્ટ સામેના મહાબત મકબરામાં દફન કરવામાં આવ્યા હતા.

    સંદર્ભ: પ્રદ્યુમન. ભ. ખાચર.| કાઠીયાવાડના રાજવીઓ(૨૦૦૫) - નવાબ રસુલખાનજી બાબી.

    ટિપ્પણી ઉમેરો