શુક્રવાર, 12 એપ્રિલ, 2024

રાજ માનસિંહજી ઝાલા - ધાંગધ્રા | Raj Sahib Mansingh Dhrangadhra

Daftar Isi [Tutup]

    ધાંગધ્રા રાજ્યના શાસક રાજ રણમલસિંહજી બાવાના (ઇ.સ.૧૮૪૩ થી ૧૮૬૯)મૃત્યુ બાદ માનસિંહજી બીજા ગાદીએ આવ્યા. જેઓ રઘુનાથસિંહજી તરીકે પણ ઓળખાતા હતા. તેમનો જન્મ ૧૮૩૭માં રોજ થયો હતો. તેઓ અંગ્રેજી કેળવણી લઇ શક્યા નહોતા. પરંતુ તેમણે ગુજરાતી, ઉર્દુ, ફારસી અને સંસ્કૃત થોડુ થોડુ શીખ્યુ હતું, પછી તેમણે અંગ્રેજી ઉપર પણ પ્રભુત્વ મેળવ્યુ હતું. 

    તેમના પિતા રાજ રણમલસિંહજી અવસાન પામ્યા ત્યારે તા.૧૬-૧૦-૧૮૬૯ના રોજ તેઓ ગાદીએ બેઠા. ગાદીએ બેસીને તેમણે ખેડૂતોની સ્થિતિ સુધારવા ભાગબટાઇનામની પ્રથા રદ કરી અને તેમની જગ્યાએ વિઘોટી પ્રથા અથવા ખાતાવહી પ્રથા શરૂ કરી. લોકોના આરોગ્યને લક્ષમાં રાખીને તેમણે ઇ.સ.૧૮૭૦માં દવાખાનુ શરૂ કર્યુ, જેનાથી રાજ્યની પ્રજાને ખૂબ જ લાભ થયો હતો. 

    તેઓને ઇ.સ.૧૮૭૭માં સ્ટાર ઓફ ઇન્ડિયા અને સર ઇલ્કાબ મળ્યો હતો. તા.૨-૧૧-૧૮૭૮ના રોજ ધાંગધ્રામાં ઝાલાવાડ પ્રાંતના મદદનીશ પોલીટીકલ એજન્ટ કેપ્ટન સ્ટેશના હાથે હોસ્પિટલનો પાયો નંખાયો જે હોસ્પિટલનું નામ ‘‘પ્રિન્સ ઓફ વેલ્સ હોસ્પિટલ’' ત્યારે રાખવામાં આવ્યુ હતું.

    તા.૧૪-૧૧-૧૮૮૨ના રોજ રાજસીતાપુર ગામે બાઇરાજબા(વ્રજકુંવરબા) તેમના માતુશ્રીના નામે દવાખાનુ ખોલ્યુ. ઇ.સ.૧૮૮૭માં વિકટોરિયા જ્યુબીલી કન્યાશાળાનો પાયો નાંખવામાં આવ્યો. માનસિંહજીની જેલ વખણાતી હતી. પોલીટીકલ એજન્ટ કર્નલ વુડે તેના વખાણ કરતા કહ્યુ હતું કે, આવી જેલ મેં આખા કાઠિયાવાડમાં જોઇ નથી.

    તા.૧૪-૩-૧૮૮૮ના રોજ જ્યુબીલી ગર્લ્સ હાઇસ્કૂલને ખુલ્લી મુકી હતી. ઇ.સ.૧૮૮૭-૮૮ના દુષ્કાળ વખતે પ્રજાને અનેક જાતની રાહતો આપી. રાહતકામો ખોલ્યા હતા. આ દુકાળ વખતે પહેલા તેમણે ગણતરી કરાવી કે, ક્યા ઠેકાણે કેટલા લોકો ભૂખમરો ભોગવી રહ્યા છે, તે મુજબ આયોજન કર્યુ હતું. એ પછી હળવદ, સોલડી, સુખપર,રાજ સીતાપુર, મેથાણ, ટીકર, ઉમરડા, સરલા અને ધાંગધ્રામાં રાહત કામો ચલાવી પ્રજાને અનાજ આપ્યુ હતું. 

    Raj Mansingh Dhrangadhra: ધાંગધ્રા રાજ્યના શાસક રાજ રણમલસિંહજી બાવાના (ઇ.સ.૧૮૪૩-૧૮૬૯)મૃત્યુ બાદ માનસિંહજી ૨ ગાદીએ આવ્યા જે રઘુનાથસિંહજી તરીકે ઓળખાતા.
    રાજ માનસિંહજી ઝાલા

    માનસિંહજીએ ફલ્યુ નદી ઉપર રૂા.૭૫,૦૦૦ના ખર્ચે પથ્થરનો પુલ બનાવી તેનુ નામ જેમ્સ ફરગ્યુસન પુલ રાખ્યુ હતું.

    ધાંગધ્રારાજયનીવસતિ ઇ.સ.૧૮૮૧માં ૯૯,૬૮૬. ઇ.સ.૧૮૯૧માં ૧૦૩,૭૫૪.ઇ.સ.૧૯૦૧માં ૭૦,૮૮૦. ઇ.સ.૧૯૧૧માં ૭૯,૧૪૨. ઇ.સ.૧૯૨૧માં ૮૮,૪૦૬. ઇ.સ.૧૯૩૧માં ૮૮,૯૬૧ની હતી અને ધાગધ્રા શહેરની વસતિ ઇ.સ.૧૮૮૧માં ૧૨,૩૦૪. ઇ.સ.૧૮૯૧માં ૧૫,૨૦૯.ઇ.સ.૧૯૦૧માં ૧૪,૭૭૦. ઇ.સ.૧૯૧૧માં ૧૪,૯૦૦. ઇ.સ.૧૯૨૧માં ૧૭,૫૨૬. ઇ.સ.૧૯૩૧માં ૧૭,૫૩૮ની હતી.ઇ.સ.૨૦૦૧માં ધાંગધ્રા શહેરની વસતિ ૭૦,૬૬૩ની હતી.

    માનસિંહજીએ રાજ્યને ખૂબ પ્રતિષ્ઠા અપાવી શણગાર્યું. લાયબ્રેરી, દવાખાનુ, નિશાળો, ધર્મશાળાઓ, સડકો, બંગલા અને પુલ બાંધી પ્રજાવત્સલતાનું ઉદાહરણ પુરૂ પાડયુ. શહેરમાં સુધરાઇની પણ સ્થાપના કરી. દીવાની અને ભાયાતી કોર્ટ તેમના રાજ્યમાં હતી, તેની અપીલો હજુર કોર્ટમાં પોતે જ સંભાળતા.

    મેરૂપુર, માનપુર, હરીપુર, મંગલપુર નામે ચાર ગામ તેઓએ વસાવ્યા હતા. તેમના રાજ્યમાં કુલ ૧૨૫ ગામ હતા. માનસિંહજી હિંદી, ગુજરાતી કાવ્યો રચતા હતા. તેઓ ઇ.સ.૧૯૦૦માં અવસાન પામતા અજીતસિંહજી બાવા ગાદીએ આવ્યા.

    સંદર્ભ: પ્રદ્યુમન. ભ. ખાચર.| કાઠીયાવાડના રાજવીઓ(૨૦૦૫) - રાજ માનસિંહજી ઝાલા - ધાંગધ્રા.

    ટિપ્પણી ઉમેરો