શુક્રવાર, 12 એપ્રિલ, 2024

જામ દિગ્વિજયસિંહજી - જામનગર | Sir Digvijaysinhji Ranjitsinhji Jadeja

Daftar Isi [Tutup]

    જામ દિગ્વિજયસિંહજી એ જામનગરના છેલ્લા અને વીસમા જામ હતા. તેઓ તા. ૧૮-૯-૧૮૯૫ ના રોજ સડોદરમાં જનમ્યા હતા અને તા. ૧૪-૪-૧૯૩૩ના રોજ ગાદીએ બેઠા હતા. તેમણે રાજકુમાર કોલેજ રાજકોટ તથા લંડનની માલવર્ન કોલેજ તથા યુનિવર્સિટી કોલેજ લંડનમાં શિક્ષણ લીધુ એ પછી ઇંદોરની ભારતીય સૈનિકોની તાલીમ શાળામાં તાલીમ લીધી અને રાજપૂતાના રાઇફલ બટાલિયનમાં જોડાયા હતા. 

    પોતે પરદેશી મોરચે પણ સૈનિક સેવાઓ આપી અસલ રાજપૂતી સ્વભાવ, શોખનો પરિચય આપ્યો હતો. નવાનગર રાજ્યનીવસતિ ઇ.સ.૧૮૮૧માં ૩૧૬,૧૪૭. ઇ.સ.૧૮૯૧માં ૩૭૯,૬૧૧.ઇ.સ.૧૯૦૧માં ૩૩૬,૭૭૯. ઇ.સ.૧૯૧૧માં ૩૪૯,૪૦૦. ઇ.સ.૧૯૨૧માં ૩૪૫,૩૫૩. ઇ.સ.૧૯૩૧માં ૪૦૯,૧૯૨ હતી અને જામનગર શહેરની વસતિ ઇ.સ.૧૮૮૧માં ૩૯,૬૬૮. ઇ.સ.૧૮૯૧માં ૪૮,૫૩૦.ઇ.સ.૧૯૦૧માં ૫૩,૮૪૪. ઇ.સ.૧૯૧૧માં ૪૪,૮૮૭. ઇ.સ.૧૯૨૧માં ૪૨,૪૯૫. ઇ.સ.૧૯૩૧માં ૫૫,૦૫૬. ઇ.સ.૧૯૪૧માં ૭૧,૫૮૮. ઇ.સ.૧૯૫૧માં૧૦૪,૪૧૯. ઇ.સ.૧૯૬૧માં ૧૪૮:૫૭૨ની હતી.

    Sir Digvijaysinhji Ranjitsinhji Jadeja: જામ દિગ્વિજયસિંહજી એ જામનગરના છેલ્લા અને વીસમા જામ હતા. તા ૧૮-૯-૧૮૯૫ સડોદરમાં જન્મ્યા અને ૧૪-૪-૧૯૩૩ ગાદીએ બેઠા
    જામ દિગ્વિજયસિંહજી

    તેઓના દીવાન વાલાસાન ખાનબહાદુર મહેરવાનજી પેસ્તનજી(બી.એ.એલએલ.બી.) હતા. જેમણે ૪૦ વર્ષ ઉપરાંત રાજ્યની સેવા કરી હતી. તા.૧૩-૭-૧૯૩૩ના રોજ જામનગરના વેપારી મંડળે ‘‘જામનગર ચેમ્બર ઓફ કોમર્સ’’નું ઉદઘાટન તેમણે કર્યુ ત્યારે જામનગરના વેપારીઓએ તેમને એક માનપત્ર આપ્યુ હતું. જેમાં તેમના પિતાના ઉદાર હૃદયે વખાણ કરી તેમની નીતિએ ચાલવા વિનંતી કરી હતી. 

    જામ બન્યા પછી તેઓ મુંબઇ ગયા ત્યાં તેમને તા.૧૫-૮-૧૯૩૩ના રોજ માનપત્ર અપાયુ. પછી તા.૪-૧-૧૯૩૪ના રોજ કલક્તામાં પણ ગુર્જર પ્રજા તરફથી પણ સન્માનપત્ર મળ્યુ હતું. આ જામે નવેમ્બર ૧૯૩૩માં ઇરવીન હોસ્પિટલના નર્સીંગ હોમના પાયાનું ખાતમુહુર્ત કર્યુ હતું. પોરબંદરના મહારાણા શ્રી નટરવરસિંહજીના હાથે કોટેજીસ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જ્યારે નવાનગર સ્ટેટ સંસ્કૃત પાઠશાળાનું તા.૨૧-૨-૧૯૩૪ના રોજ વાર્ષિકોત્સવ ઉજવાયો તેમાં પોતે હાજરી આપી ત્યારે સુંદર ભાષણ કર્યુ . 

    ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ કાઠિયાવાડના સંયુકત રાજયોની રચના કરી તેના તે પ્રમુખ થયા ત્યારે તેમણે પોતાના ભાષણમાં કહયુ કે ‘“અમે રાજાઓ થાકી ગયા હતા અને અમને પંખો નાંખીને સુવાડી દેવામાં આવ્યા અથવા અમને શરણે આણવામાં આવ્યા એવુ નથી, અમે સ્વેચ્છાએ અમારા સાર્વભામત્વનો ત્યાગ કર્યો છે જેથી ભારતની એકતા વધારે પૂર્ણ રીતે સિધ્ધ થાય’’.

    તેઓ નરેન્દ્ર મંડળના ચાન્સેલર અને સૌરાષ્ટ્ર રાજ્ય સ્થપાતા રાજપ્રમુખનો હોદો ભોગવ્યો હતો. તેઓના કાળ દરમ્યાન સિક્કા સિમેન્ટનું કારખાનુ, જામનગરમાં દિગ્વિજય વુલન મીલ વગેરે સ્થપાયુ હતું. યુનોમાં ૧૯૪૮ અને ૧૯૪૯માં તેઓ ભારતના પ્રતિનિધી તરીકે ગયા હતા, તેમના રાણીના નામે ગુલાબકુંવરબા આયુર્વેદિક હોસ્પિટલ જામનગરમાં આવેલી છે.

    જામ દિગ્વિજયસિંહજીને જૂનાગઢના છેલ્લા નવાબ મહાબતખાનજી ત્રીજા સાથે ખૂબ જ સારા સંબંધો હતા અને યુવરાજ દિલાવરખાનજી(અચુબાપુ) તેમને કાકાસાહેબના નામથી સંબોધન કરતા હતા. પરંતુ જ્યારે નવાબ સાહેબે પાકિસ્તાન સાથે જૂનાગઢ રાજ્યનું જોડાણ કર્યુ ત્યારે જામસાહેબે આરઝી હકૂમતને ટેકો આપ્યો હતો. 

    આ પછી જામસાહેબ અને સરદાર પટેલ સોમનાથનું ભગ્ન મંદિર જોવા ગયા. ત્યારે સરદારે મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો ત્યારે જામસાહેબે સૌપ્રથમ રૂા.૧ લાખનો ફાળો નોંધાવ્યો હતો. તેઓ ઇ.સ.૧૯૬૬માં અવસાન પામ્યા. તેમને ૧૫ તોપનું માન મળતુ હતું. તેઓને વાર્ષિક ૧૦ લાખનું સાલિયાણું મળતુ હતું.

    સંદર્ભ: પ્રદ્યુમન. ભ. ખાચર.| કાઠીયાવાડના રાજવીઓ(૨૦૦૫) - જામ દિગ્વિજયસિંહજી - જામનગર.

    ટિપ્પણી ઉમેરો