ગુરુવાર, 11 એપ્રિલ, 2024

સર વિભાજી જાડેજા - જામનગર | Sir Jam Vibhaji Jamnagar(Nawanagar)

Daftar Isi [Tutup]

    નવાનગરના સોળમા શાસક જામરણમલજી બીજાના અવસાન પછી વિભાજી નવાનગરની ગાદીએ આવ્યા. તેમનો જન્મ તા.૮-૫-૧૮૨૭ના રોજ થયો હતો. વિભાજીરાજ બહુ સારી રીતે કેળવણી લઇ શક્યા નહોતા પરંતુ આપબળે અને અનુભવે તે ગુજરાતી, અંગ્રેજી બરાબર સમજી શકે તેવા પરિપક્વ બની ગયા હતા. 

    તેઓ તા.૨૨-૨-૧૮૫૨ના રોજ ગાદીએ બેઠા કે તરત ઓખામંડળના વાઘેરોએ એક મોટો બળવો કર્યો, તેને દબાવ્યો હતો. તે બદલ તેમને રાવબહાદુરનો ઇલ્કાબ મળ્યો હતો. વિભાજીને ચોવીસ રાણીઓ (૧૪રાણી ૬ રખાત અને ૪ તાયફાઓ) હતી. 

    Sir Jam Vibhaji Nawanagar: નવાનગરના સોળમા શાસક જામરણમલજી બીજાના અવસાન પછી વિભાજી(Vibhaji) નવાનગરની ગાદીએ આવ્યા. તેમનો જન્મ તા.૮-૫-૧૮૨૭ના રોજ થયો હતો.
    સર વિભાજી જાડેજા

    વિભાજીને એક મુસ્લિમ રાણી ધનબાઇથી ભીમસિંહજી ઉર્ફે કાળુભા નામે પુત્ર અવતર્યો હતો. તેને જામે ગાદી વારસ બનાવવા પ્રયત્ન કર્યો અને અંગ્રેજ હકુમતમાં છેક કલકત્તા સુધી લડી તેને વારસ બનાવવા તનતોડ પ્રયત્ન કર્યા પણ સરકારે તે મંજુર રાખ્યુ નહોતું. તેમણે નવાનગરને પ્રગતિશીલ અને પ્રજા કલ્યાણકારી રાજ્ય બનાવ્યું અને કેટલાક સુધારાઓ કરાવ્યા.

    • (૧)ઇ.સ.૧૮૬૪માં રાજ્યમાં ફોજદારી અને દીવાની અદાલતોની સ્થાપના કરી અને કાયદાઓ સુધરાવ્યા.
    • (૨) ઇ.સ.૧૮૬૬માં મહેસૂલી સુધારાઓ કરાવ્યા તેથી ખેડૂતોને ફાયદો થયો.
    • (૩) ઇ.સ.૧૮૭૪માં મ્યુનિસિપલ કમિટિની સ્થાપના કરી.
    • (૪) ૧૮૭૨માં તાંબાના સિક્કાઓ ૧૮૭૩માં સોનાની કોડીઓની ટંકશાળા શરૂ કરી.
    • (૫) ઇ.સ.૧૮૭૭માં નવાનગરમાં પુસ્તકાલય અને વાંચનાલય ખોલ્યા. 
    • (૬) રસ્તાઓ બંધાવી ઝાડ રોપાવ્યા, દરિયા કાંઠે જોડિયા અને સલાયામાં દિવાદાંડી ઉભી કરાવી.
    • (૭) દુષ્કાળમાં પ્રજાને કામ અને અનાજ આપ્યુ.
    • (૮) રંગમિત તથા નાગમિત નદી પર પુલ અને વિકટોરિયા જ્યુબીલી નામની કન્યા શાળા ખોલી.
    • (૯)તા.૪-૧૨-૧૮૮૮ના રોજ હાઇસ્કૂલ ખોલી, જકાતના દરો ઘટાડચા, નવી હોસ્પિટલ અને જેલ બાંધી.

    જામ વિભાજી ઉદાર, દયાળુ અને દાનવીર હતા. તેઓએ અનેક ચારણો, કવિઓને મદદ કરી હતી. રાજકુમાર કોલેજના બાંધકામમાં રૂા.૨૨,૨૫૦ દાન આપ્યુ હતું. મુંબઇ યુનિવર્સિટીની જામવિભાજી નામનુ એક પ્રાઇઝ આપવા રકમ આપવામાં આવી હતી. 

    રાજકોટમાં જામટાવર બંધાવી દીધો. ઇ.સ.૧૮૭૨માં ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશનને ૨૦ વર્ષમાં એકંદર રૂા.૧૫,૦૦૦નું વ્યાજ થાય તેટલી રકમ આપી, જામની પ્રજામાંથી મુંબઇ યુનિવર્સિટીએ ઠરાવેલી કોલેજમાં જે કોઇ અભ્યાસ કરે તેને બે ઇનામો આપવાની યોજના કરી હતી.

    રાજયમાંથી અનેક કરવેરા કાઢી નાંખી વેઠ પ્રથા તો સદંતર નાબૂદ કરી હતી. બેડીબંદરનો ધક્કો બાંધ્યો. જામવિભાજી પાસે કોઇ પણ માણસ ખુદ આવી ફરિયાદ કરી શકતો હતો. નવાનગરની રૈયત પણ તેમને ખરા દિલથી ચાહતી હતી. તેમના સમયમાં રાજ્યની વાર્ષિક આવક રૂા.૨૨,૩૩,૦૦૦ની હતી. તેમાંથી અંગ્રેજ સરકારને રૂા.૧,૨૦,૦૯૬ ખંડણી ભરતા હતા.

     જામવિભાજીને ઇ.સ.૧૮૭૮માં નાઇટ કમાન્ડર ઓફ ધી સ્ટાર ઓફ ઇન્ડિયાનો ઇલ્કાબ મળ્યો હતો. વિભાજી સંગીત, ગાયનના ખૂબ જ શોખીન હતા, તેથી રાજદરબારમાં હંમેશા ગીત સંગીતના જલસાઓ થતા રહેતા હતા. વિભાજી દેખાવે, સ્વભાવે, મિલનસાર, સાદા, ભોળા, અને પ્રમાણિક હતા અને શરીરે મજબૂત બાંધાના હતા. તેઓ સંવત ૧૯૫૧ વૈશાખસુદ ૪ ને રવિવારના રોજ અવસાન પામ્યા.

    સંદર્ભ: પ્રદ્યુમન. ભ. ખાચર.| કાઠીયાવાડના રાજવીઓ(૨૦૦૫) - સર વિભાજી જાડેજા - જામનગર.

    ટિપ્પણી ઉમેરો